new

નવા નિયમમાં ધોરણ-૫થી ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવે તેવી શક્યતા


ધોરણ-૧થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફારની કવાયત
પ્રાયમરીમાં ઠોઠ વિદ્યાર્થીઓને નાપાસ કરાશે
પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૧થી ૮માં અભ્યાસ કરતા બાળકોને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફાર આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે સક્રિયતાથી વિચારી રહી છે. વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરતા માધ્યમિક શિક્ષણમાં તેની અવળી અસર પડતી હોવાનું તારણ બહાર આવ્યા બાદ આ નિયમ બદલવામાં આવશે. જો કે નવા નિયમમાં પણ ધોરણ-૧થી ૪માં તો વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાનું જ નક્કી કરાશે પરંતુ ધોરણ-૫થી ૮માં ઠોઠ વિદ્યાર્થીઓને નાપાસ કરી ફરીથી એ જ ધોરણમાં અભ્યાસ કરાવવાનું નક્કી થાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ સાથે જ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ-૧થી ૮ સુધીના બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને ધોરણ-૮ સુધી નાપાસ કરી શકાય નહીં. આ નિર્ણય બાદ અનેક વાદ વિવાદ થયા હતા. પરંતુ આ નિયમ માન્ય રાખી વિદ્યાર્થીઓને નાપાસ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો.
દરમિયાન ધોરણ-૧થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા ન હોવાના લીધે માધ્યમિક શિક્ષણ પર અસર પડી હતી. જેમાં ઘણા વિદ્યાર્થીઓ માધ્યમિકમાં એટલે કે ધોરણ-૯માં આવ્યા બાદ ખૂબ જ ખરાબ શૈક્ષણિક પ્રદર્શન કરતા હતા. જેના પગલે આ નિયમમાં ફેરફાર કરવાની કવાયત શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. જો કે આ ફેરફાર પહેલા અનેક રાજ્યોએ પણ આ નિયમ બરોબર ન હોવાનું કેન્દ્ર સમક્ષ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે આ નિયમની ફેરવિચારણા માટે ગીતા ભુક્કલ કમિટી બનાવી હતી. આ કમિટીએ પણ વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફારની તરફેણ કરી હોવાનું બહાર આવતા હવે સરકાર આ નિયમમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે કમિટીની આગામી બેઠકમાં નિર્ણય લઈ અહેવાલ સુપરત કરી દેવાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. દરમિયાન ધોરણ-૧થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફાર માટે કમિટી દ્વારા ભલામણ પણ તૈયાર કરાઈ હોવાનું જાણવા મળે છે. નવી ભલામણ મુજબ ધોરણ-૧થી ૪માં તો વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાનો નિયમ ચાલુ રાખવામાં આવનાર છે. પરંતુ ધોરણ-૫થી ૮માં જે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક દેખાવ સારો નહીં હોય તેમને નાપાસ કરવાની ભલામણ કરાઈ છે.
કમિટીની ભલામણો પર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો કે દેશના અનેક રાજ્યોએ આ નિયમ બરોબર ન હોઈ તેમાં ફેરાફારની તરફેણ કરી હોઈ કમિટીની ભલામણો સ્વિકારી લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. સંભવત નવા શૈક્ષણિક સત્ર પહેલા આ અંગે નિર્ણય લેવાઈ શકે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે.

Post a Comment

0 Comments