May 25, 2016

શિક્ષણવિભાગ નાં વાર્કશોપ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શિક્ષણ વિભાગના વર્કશોપમાં ઉપસ્થિત રહી. વર્કશોપમાં જિલ્લાઓના શિક્ષણ અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની ગુણોત્સવ સહિતની પહેલ ઉપર ચર્ચાવિમર્શ થયો. ગુણોત્સવમાં થયેલા પ્રાથમિક શાળાઓના મૂલ્યાંકનને કારણે ઘણી શાળાઓનો ગ્રેડ સુધર્યો છે. જેનો ગ્રેડ સુધર્યો નથી ત્યાં શિક્ષકો, આચાર્ય, બ્લોક રીસોર્સ કોઓર્ડિનેટર, ક્લસ્ટર રીસોર્સ કોઓર્ડિનેટર સહિત સૌ કોઈ પૂરી લગનથી વ્યક્તિગત રસ લઈને શાળાનું શિક્ષણકાર્ય વધુ ગુણવત્તાસભર બનાવવાનો પ્રયાસ કરે તો ગ્રેડ ચોક્કસ સુધરે. પ્રાથમિક શાળાથી લઈને કોલેજો સુધી સમગ્ર શૈક્ષણિક તંત્ર વચ્ચે સંવાદિતાથી પરસ્પર મદદરૂપ થવાય તે રીતે કામ કરવામાં આવે તેવો મારો આગ્રહ રહ્યો. ગુજરાતમાં આજે દેશભરમાં સૌથી વધુ મૂડીરોકાણ આવી રહ્યું છે ત્યારે કોલેજોમાં કાઉન્સેલિંગ દ્વારા યુવાનો આ અવસરનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકે તે જોવાનો અનુરોધ કર્યો. શિક્ષણ વિભાગ અંતર્ગત આ વર્ષમાં હાથ ધરવામાં આવનારા વિવિધ કાર્યો માટેના આદેશપત્રનું વિતરણ આ પ્રસંગે કર્યું.

ગુજરાતના CM આનંદીબહેને કાઢી શિક્ષણવિભાગની ઝાટકણી

ગુજરાતના CM આનંદીબહેને કાઢી શિક્ષણવિભાગની ઝાટકણી
( હરિસિંહ જાડેજા)
આજે રાજ્ય સરકારે ગુજરાતની અત્યારની એજ્યુકેશન સિસ્ટમની સુધારણા માટે તેમજ ભવિષ્યના મજબૂત આયોજન માટે એક દિવસ લાંબી 'કાર્ય શિબીર'નું આયોજન કર્યું હતું. આ શિબિરમાં મુખ્યપ્રધાન આનંદીબહેને ગુજરાતના શિક્ષણતંત્રના વિશે વિસ્ફોટક નિવેદન કર્યા છે.  આ શિબિરમાં શિક્ષણવિભાગ પણ મુખ્યપ્રધાનના રોષનો ભોગ બન્યો હતો. શિક્ષણવિભાગની આકરી ઝાટકણી કાઢતા મુખ્યપ્રધાને જણાવ્યું છે કે 'રાજ્યના શિક્ષણવિભાગમાં કોમ્યુનિકેશનનો અભાવ છે. હું તમામ DEOને આદેશ આપું છું ક્યા જિલ્લાની કઈ શાળા નબળી છે એ અંગે તપાસ કરવામાં આવે અને એક મહિનામાં રિપોર્ટ સોંપે. DEO અને કલેક્ટર કોઈ ગામ કે સ્કૂલને દત્તક લઈ મોડલ તૈયાર કરે. નબળી શાળાનું સંચાલન NGOને સોંપવામાં આવે. વિદ્યાર્થીઓ માટે આંગણવાડીથી લઈને શિક્ષણ વિભાગે કશું જ કર્યું નથી.'

હાલમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા જેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ સરખામણીમાં નબળું આવ્યું છે. આ પરિણામમાં સુધારો થાય એ માટેના પ્રયાસોની ચર્ચા કરતા આનંદીબહેને કહ્યું છે કે 'રાજ્યમાં ધો.10નું પરિણામ ઓછું આવે છે અને દુખની વાત તો એ છે કે હિન્દી અને અંગ્રેજી કરતા ગુજરાતી માધ્યમનું પરિણામ નબળું આવે છે. અનેક જગ્યાએ ગુજરાતી ભાષા સમજવામાં સમસ્યા છે. આ સંજોગોમાં વિચારવું જોઈએ કે બાળક માતૃભાષા ગુજરાતીમાં શા માટે નબળું રહે? ગુણોત્સવ સિવાય પણ વિદ્યાર્થીઓનું મુલ્યાંકન થવું જોઈએ.'

આ પરિસ્થિતિમાં શિક્ષકોની ભૂમિકા વિશે કમેન્ટ કરતા મુખ્યપ્રધાને જણાવ્યું છે કે 'શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓની પરિસ્થિતિથી વાકેફ હોય છે. આ સંજોગોમાં સુધારો થાય એ માટે પ્રયાસ કરવાની સંયુક્ત જવાબદારી રાજ્યના સચિવ, DEO તેમજ શિક્ષકોની છે. શિક્ષકો પુરતો સમય ફાળવશે તો ચોક્કસ પ્રાથમિક શિક્ષણમાં સુધારો થશે અને એ માટે સમય ફાળવવો જ જોઈએ. જો શિક્ષકો 'આશીર્વાદ'ની જોડણી ખોટી લખે તો એમાં શિક્ષકોનો જ વાંક છે. શિક્ષકોમાં જ ગંભીરતા નથી. શિક્ષકો પોતાની આત્માને સવાલ પૂછે. શું 8-10 ટકા પરિણામ લાવતી શાળાના કંગાળ પ્રદર્શનની જવાબદારી શિક્ષકોની નથી? શિક્ષકો કેમ ગુણવત્તાવાળું શિક્ષણ નથી આપી શકતા અને એમાં કેમ વિલંબ થાય છે?'