શિક્ષક ટયૂશન કરતા પકડાશે તો સ્કૂલની ગ્રાન્ટ કપાશે
સ્કૂલના શિક્ષકો દ્વારા કરાતા ટયૂશન પર બ્રેક મારવા શિક્ષણ વિભાગની ગાઇડલાઇનઃ સ્કૂલમાં 'અમારા શિક્ષક ટયૂશન કરાવતા નથી' તેવા બોર્ડ લગાવાશેઃ આચાર્યએ ટયૂશન કલાસ રજીસ્ટર નિભાવવાનું રહેશે જેમાં શિક્ષકો વિગતો લખશે : શિક્ષકો પાસેથી સ્ટેમ્પ પેપર પર ટયૂશન કરાવતા ન હોવાનું લખાણ મેળવાશે
અમદાવાદ તા. ૮ : રાજયમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા બેફામ ટ્યૂશન પર બ્રેક મારવા માટે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને સ્કૂલોને તે ગાઈડલાઈનનું પાલન કરવા માટે સુચના અપાઈ છે. જેમાં હવે સ્કૂલોમાં લોકો જોઈ શકે તે રીતે 'આ સ્કૂલના શિક્ષકો ટ્યૂશન કરતા નથી' તેવા બોર્ડ લગાવવામાં આવશે. ઉપરાંત શિક્ષકો પાસેથી સ્ટેમ્પ પેપર પર ટ્યૂશન કરાવતા ન હોવાનું લખાણ મેળવવામાં આવશે. આટલું જ નહીં, સ્કૂલના આચાર્ય દ્વારા ટ્યૂશન કલાસ રજિસ્ટર નિભાવવામાં આવશે અને તેમાં શિક્ષકો નિયમિત પણે વિગતો ભરશે. જોકે આમ, છતાં કોઈ શિક્ષક ટ્યૂશન કરતા હોવાનું પકડાશે તો શિક્ષક સામે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે જ, પરંતુ સાથે સ્કૂલના આચાર્ય અને સંચાલક મંડળને પણ નોટિસ ફટકારી સ્કૂલની ગ્રાન્ટ કાપ અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારના નિયમ મુજબ નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારી પોતાની શાળા કે શાળાની બહાર મહેનતાણું લઈને અથવા મહેનતાણું લીધા વગર ખાનગી ટ્યૂશન કે કોચીંગ કલાસ કરી શકશે નહીં. જોકે રાજયમાં આવેલી ઘણી સ્કૂલોના શિક્ષકો બિન્દાસ ટ્યૂશન કલાસીસ અને કોચીંગ કલાસીસ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે શિક્ષણ વિભાગની સૂચના બાદ જે તે ડીઈઓ દ્વારા તેમના જિલ્લામાં ટ્યૂશનીયા શિક્ષકો પર બ્રેક મારવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
દરમિયાન સ્કૂલો કોઈ પણ શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારી ટ્યૂશન કે કોચીંગ કલાસ કરે છે કે કેમ તે જોવાની જવાબદારી શાળાના આચાર્યની તેમજ શાળા સંચાલક મંડળની રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમોની જોગવાઈ મુજબ શિક્ષકો પાસેથી સ્ટેમ્પ પેપર પર બાંહેધરી લેવાની રહેશે કે તેઓ ટ્યૂશન કે કોચીંગ કલાસ ચલાવતા નથી. સ્કૂલના આચાર્યએ શિક્ષકો પાસે નિયમિત રીતે ટ્યૂશન-કોચીંગ કલાસ રજિસ્ટર ભરાવવાનું રહેશે અને તેની જાળવણી કરવાની રહેશે. આ રજિસ્ટરમાં ભરવામાં આવતી તમામ માહિતી સાચી હોવી જોઈએ. તપાસ દરમિયાન જો માહિતી ખોટી હોવાનું બહાર આવશે તો સ્કૂલના આચાર્ય તથા સંચાલક મંડળ અને શિક્ષણ ખાતા સાથે છેતરપિંડી કરી બનાવટી રેકર્ડ ઊભું કર્યુ છે તેમ માનવામાં આવશે અને શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલમાં આચાર્ય દ્વારા આ રજિસ્ટર ભરાવવામાં આવે ત્યારે તમામ શિક્ષકો શૂન્ય માહિતી ભરે ત્યારે સ્કૂલના આચાર્યએ પોતાની સહી સાથેનું બોર્ડ લોકો વાંચી શકે તે રીતે પોતાના કાર્યાલયની બહાર લગાવવાનું રહેશે. જેમાં 'આ શાળાના શિક્ષકોએ શાળાને આપેલી લેખિત બાંહેધરી પ્રમાણે કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યૂશન કરતા નથી' લખેલું હશે અને તેની નીચે આચાર્યની સહી કરેલી હશે. આમ, છતાં તપાસ દરમિયાન જો કોઈ પણ સ્કૂલના શિક્ષક ટ્યૂશન કે કોચિંગ કરતા પકડાશે તો તેઓની સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ નિયમ ૩૨દ્ગક જોગવાઈ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલના શિક્ષકો કે કર્મચારી ખાનગી ટ્યૂશન કે કલાસીસ ચલાવતા હોય તો સ્કૂલના આચાર્ય અને સંચાલક મંડળે તાત્કાલીક આ પ્રવૃત્ત્િ। બંધ કરાવવાની રહેશે. તેમ છતાં જો સ્કૂલનો શિક્ષક ટ્યૂશન કરતા પકડાશે તો શિક્ષક સામે તેમજ શાળાના આચાર્ય અને શાળાના સંચાલકને નોટિસ આપી શિક્ષાત્મક પગલા રૂપે ગ્રાન્ટ ઈન કોડ ૧૯૬૪ના નિયમ-૯ મુજબ ગ્રાન્ટ કાપની કાર્યવાહી કરવામાં આવશે.
નોન ગ્રાન્ટેડ સ્કૂલોની નોંધણી રદ કરવા ચીમકી
ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોની માફક જ ગ્રાન્ટ ન લેતી શાળાના શિક્ષકો માટે પણ ટ્યૂશન કરવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. સરકાર પાસેથી નિભાવ ગ્રાન્ટ ન લેતી સ્કૂલના શિક્ષકો ટ્યૂશન કરતાં પકડાય તો સ્કૂલની નોંધણી રદ કરવાની ચીમકી અપાઈ છે. સરકારે શિક્ષણના ખાનગીકરણને છૂટ્ટો દોર આપ્યો હોવાથી કેટલીક સ્કૂલો જ પોતાના શિક્ષકો પાસે ટ્યૂશન કરાવીને તેમાંથી હિસ્સો મેળવતી હોવાની વાત જગજાહેર છે. જો કે હાલ તો શિક્ષણ વિભાગની સૂચનાથી તમામ ડીઈઓએ તેમના તાબાની સ્કૂલોને આ ગાઈડલાઈનથી વાકેફ કર્યા હોવાનું જાણવા મળે છે.
0 Comments