new

ધો. ૧૧ સાયન્સની ૧૯,૦૦૦ બેઠકો માટે આજથી પ્રવેશ પ્રક્રિયા


DEO દ્વારા કેન્દ્રીય પધ્ધતિથી પ્રવેશ

શાળાઓમાં ફોર્મ વિતરણ :-૭મીએ પ્રથમ ૧૦મીએ બીજી અને ૧૨મીએ ત્રીજી મેરીટ યાદી

અમદાવાદ, મંગળવાર
ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ આવી ગયા બાદ હવે ધો. ૧૧ સાયન્સની શાળાઓમાં આવતીકાલથી પ્રવેશ પ્રક્રિયા શરૃ થશે. ડીઈઓ દ્વારા કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિથી અમદાવાદ શહેર અને ગ્રામ્યની લગભગ ૧૯૦૦૦ બેઠકો પર વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ ફાળવાશે. આવતીકાલથી સાયન્સની શાળાઓમાં ફોર્મનું વિતરણ થશે અન ૬ઠ્ઠી જુન સુધીમાં ફોર્મ જમા કરાવવાનાં રહેશે. ત્યાર બાદ શાળાઓ પ્રથમ મેરીટ યાદી ૭મી જુને, બીજી યાદી ૧૦મીએ અને ત્રીજી અને છેલ્લી મેરીટ યાદી ૧૨મી જુને નોટીસ બોર્ડ પર મૂકશે.
ઉપરાંત ધો. ૧૦માં એક કરતાં વધુ પ્રયત્ને પાસ થયેલા વિદ્યાર્થી જો પ્રવેશ મેળવવા માંગે તો તેના પાંચ વિષયના કુલ ગુણમાંથી પાંચ ગુણ બાદ કરી તેનો મેરીટ યાદીમાં સમાવેશ કરવાનો રહેશે. બીજી બાજુ આવતીકાલથી શાળાઓએ ફોર્મ વિતરણ કરવાનું રહેશે. દરેક શાળા ફોર્મની કિંમત રૃા. પાંચથી વધુ રાખી શકશે નહીં.
નિયમ મુજબ શાળાઓએ વિદ્યાર્થીઓનું મેરીટ બનાવી તે મુજબ વર્ગદીઠ પોતાની સ્કુલનાં ૪૦ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો રહેશે. ત્યારબાદ મેરીટ મુજબની બહારની શાળાનાં ૧૦ વિદ્યાર્થીને લેવાના રહેશે. જ્યારે અનામત કેટેગરીનાં બીજા ૧૬ વિદ્યાર્થીને દરેક શાળાએ તેના મેરીટ મુજબ પ્રવેશ ફાળવવાનો રહેશે.
ત્રણ દિવસ સુધી ફોર્મનું વિતરણ કરાશે. ભરાયેલા ફોર્મ છઠ્ઠી જુન સુધીમાં પરત આપવાના રહેશે. દરેક શાળા ૭મીએ પ્રથમ મેરીટ યાદી પોતાનાં નોટીસ બોર્ડ પર મૂકશે. ત્યારબાદ ૧૦મીએ બીજી અને ૧૨મીએ ત્રીજી યાદી મૂકાશે. લઘુમતી શાળાઓ પોતાની શાળાના ૪૬ અને અન્ય શાળાનાં ૨૦ વિદ્યાર્થીઓ લઇ શકશે. ડીઈઓ કચેરી દ્વારા કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિથી પ્રવેશ અપાશે. ૧૩ જુનનાં રોજ ડીઈઓને વિદ્યાર્થીઓની યાદી શાળાઓએ આપી દેવાની રહેશે. વર્ગદીઠ ડીઈઓની મંજૂરી સિવાય વધુ પ્રવેશ ફાળવનારી શાળા વિરુધ્ધ કાર્યવાહી કરાશે. મેરીટ મુજબ પ્રવેશ મેળવનારા વિદ્યાર્તીઓ પોતાની ઈચ્છા મુજબ ગુ્રપ-A, ગુ્રપ-B કે ગુ્રપ- AB રાખી શકશે. અનામત કક્ષાનાં વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૨૫ જુનથી શૈક્ષણિક સત્રની શરૃઆત કરવાની રહેશે.

અનામત કેટેગરીનાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ૧૬-૧૭મી જુને
અનામત કક્ષાના વિદ્યાર્થીઓ માટે વિવિધ આઠ શાળામાંથી ૧૬ અને ૧૭મીનાં રોજ પ્રવેશ ફોર્મ વિતરણ કરાશે. આ બન્ને દિવસોએ જ ભરેલા ફોર્મ જે-તે શાળા દ્વારા સ્વીકારાશે. જેની પ્રવેશ ફાળવણી ૨૩મી જૂને રાયખડની કન્યા શાળામાં કરાશે. ઓપન અને અનામત વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ જો કોઇ કારણોસર વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી ગયો હોય તો તેવા વિદ્યાર્થીઓએ ૨૫મી જુના રોજ નિયત કરેલી આઠ શાળામાંથી અસલ એલસી રજૂ કરીને ફોર્મ મેળવી તે જ દિવસે વિતરણ કેન્દ્ર પર જમા કરાવવું તેવા વિદ્યાર્થીઓ માટે કન્યા શાળા ખાતે ૩૦મી જુને પ્રવેશ પ્રક્રિયા કરાશે.

અનામત વિદ્યાર્થીઓ આઠ શાળામાંથી ફોર્મ મેળવી શકશે

ક્રમશાળાનું નામ
મંગલ વિદ્યાલય-મીઠાખળી
વિજયનગર હાઇસ્કૂલ-નારણપુરા
એમ.બી. પટેલ જ્ઞાાન જ્યોત હાઇસ્કૂલ-ઘાટલોડીયા
કામેશ્વર વિદ્યાલય-જોધપુર ચાર રસ્તા
દુર્ગા વિદ્યાલય-મણીનગર
પૂજા વિદ્યાલય-સીટીએમ-અમરાઇવાડી
શ્રીજી વિદ્યાલય-ઘંટી સ્ટેન્ડ-બાપુનગર
અસારવા વિદ્યાલય-અસારવા.

Post a Comment

0 Comments