વડોદરા,તા.૧૮
જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ આજે સાવલી તાલુકાના ભાદરવા કેન્દ્ર પર પહોંચી જઈ ચેકીંગ હાથ ધરતાં અલગ અલગ પરીક્ષા ખંડમાંથી કાંપલી સાથે ગેરરિતી આચરતી ધો.૧૦ની એક વિદ્યાર્થીની તેમજ બે વિદ્યાર્થીઓ સહિત કુલ ત્રણને પકડી પાડી તેમની સામે કોપી કેસ કર્યો હતો.
- ત્રણેય સુપરવાઈઝરોને તત્કાળ ફરજમુક્ત કરાયા
સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલી જી આર ભગત શાળામાં માદ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસમાના કેન્દ્રની ફાળવણી કરવામા આવી હતી. દરમિયાન આજે સવારે દસ વાગે ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી.
બીજી બાજૂ સાવલી તાલુકાના કેટલાક કેન્દ્રોમાં વ્યક્તિગત અને સામુહિક પ્રકારે ગેરરિતી આચરાવાની શક્યતાઓને પગલે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા આજે બી આર ભગત હાઈસ્કૂલ ખાતે પહોંચી ગયા હતા તથા તમામ પરીક્ષા ખંડમાં ફરી પરીક્ષાર્થીઓનુ ચેકીંગ હાથ ધર્યુ હતુ. ચેકીંગ દરમિયાન બ્લોક નંબર ૮માં બેઠક નંબર ૭૩૩૪૪૦ પર પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીની મીનાબેન ગામીત, તેમજ બ્લોક નંબર ૧૨માં ૭૩૩૨૪૮ નંબર પર પરીક્ષા આપી રહેલ હર્ષદ ડાભી તથા બ્લોક નંબર ૧૩માં ૭૩૩૫૯૫ નંબર પર પરીક્ષા આપી રહેલ ગોપાલ બ્રીજનુ ચેકીંગ કરતાં તેમને કાંપલી સાથે રંગેહાથ પકડી પાડયા હતા.
જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ ત્રણેય પરીક્ષાર્થીઓ સામે કોપી કેસ અંતર્ગત કાર્યવાહી કરી માધ્યમિક શિક્ષણ બોર્ડને તે અંગે લેખિત જાણ કરી હતી. ઉપરાંત જે પરીક્ષા ખંડમાંથી કોપી કેસ પકડાયા હતા તે તમા ત્રણેય ખંડના સુરવાઈઝરોને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મુક્ત કરી દેવા પણ ડીઈઓએ સૂચના આપી હતી. આ કોપી કેસ સંદર્ભે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને સાંભળી તેમની સામે યોગ્ય શિક્ષાત્મકાર્યવાહી કરશે તેમ ડીઈઓ નવનીત મહેતાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન ઝમાવ્યુ હતુ.
0 Comments