new

તલાટી કૌભાંડમાં ગાંધીનગર એસપીને મુખ્યમંત્રીનું તેડું

તલાટી ભરતી કૌભાંડમાં સચિવાલય અને ભાજપ કનેકશન ખુલ્યા બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગઇકાલે બુધવારે ગાંધીનગર એસપી સાથે તપાસને લઇને બેઠક થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મુખ્યસચિવ અને એક મંત્રી પણ હાજર રહ્યાં હોવાનું કહેવાય છે.
  • બેઠકમાં મુખ્યસચિવ અને એક મંત્રી પણ હાજર રહ્યા હતા
ગાંધીનગર એલસીબીએ તલાટી ભરતી કૌભાંડનો ભાંડો ફોડયા બાદ તેના છાંટા સચિવાલય સુધી ઉડયાં છે. ઉપરાંત ધરપકડ કરાયેલા ચંપાવતનું ભાજપ કનેક્શન પણ બહાર આવ્યું છે. પોલીસની આ તપાસ અત્યાર સુધી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચંપાવત અને તેના વચેટીયા સુધી સીમીત રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં ચંપાવતના મોબાઇલ કોલ ડીટેઇલમાં મોટા માંથાઓના નામ ખુલ્યા છે. આ માથાઓનું કનેક્શન છેક ઉપર સુધી હોવાનું કહેવાય છે. સમગ્ર પ્રકરણ બાદ ખુદ મુખ્યમંત્રીની આ મુદ્દે વોચ હોવાનું કહેવાય છે. સુત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દે ગઈકાલે બુધવારે રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગર એસપી શરદ સિંઘલને બોલાવવામાં આવ્યા હતાં અને તલાટી ભરતી કૌભાંડની તપાસનો રીપોર્ટ માંગ્યો હતો. મુખ્યમંત્રીના નિવાસસ્થાને અડધા કલાક ચાલેલી બેઠકમાં મુખ્યસચિવ ઉપરાંત એક મંત્રી પણ હાજર રહ્યાં હોવાનું સૂત્રો મારફત જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગર એસપીએ તલાટી ભરતી કૌભાંડમાં રેડ પાડી ત્યારથી લઇને હમણાં સુધી જેટલી તપાસ કરી તેનો રીપોર્ટ મુખ્યમંત્રીને સોંપી દીધો છે. મોબાઇલ કોલ ડીટેઇલમાં કોના નામ ખુલ્યા તેની પણ વિગતો આપી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીનગર એસપી શરદ સિંઘલનો સંપર્ક સાધતાં તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગયા હોવાનું સ્વિકાર્યું હતું. જોકે ત્યાં તેઓની આગામી ૧લી માર્ચના રોજ મહાત્મા મંદિર ખાતે આવનાર સુપ્રિમકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જજોની સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલના મામલે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. તેઓએ મુખ્યમંત્રી સાથે તલાટી કૌભાંડ અંગે કોઈપણ પ્રકારની ચર્ચા નહીં હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તલાટી કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસ પર તપાસને લઇને ભીંસ વધી રહી છે. ભરતી કૌભાંડની તપાસ ગાંધીનગર રેન્જ ડીઆઇજી રાજીવરંજન ભગતે પીએસઆઇ પાસેથી લઇને પીઆઇને સોંપવાનો હુકમ કર્યા હતો. પણ આ તપાસ હજુ પણ પીએસઆઇ સંભાળી રહ્યાં છે.

Post a Comment

0 Comments