new

સાયન્સની સેમેસ્ટર સિસ્ટમની પુન: સમીક્ષા કરાશે


                                    સાયન્સની સેમેસ્ટર સિસ્ટમની પુન: સમીક્ષા કરાશે  સિસ્ટમ રદ કરવાની વાત નથી: શિક્ષણ બોર્ડ સચિવ શિક્ષણ બોર્ડના સચિવ આર. આઈ. પટેલે જણાવ્યું હતું કે, સાયન્સની સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાની વાત નથી. પરંતુ બોર્ડના કેટલાક સભ્યોની લાગણીને ધ્યાને લઈને સેમેસ્ટર સિસ્ટમની સમીક્ષા કરવાનું તેમને જ કહેવામાં આવ્યું છે. 
                                   સેમેસ્ટર સિસ્ટમની સારી બાબતોની તેઓ સમીક્ષા કરે તો એ વાતનો પણ ખ્યાલ આવશે કે, આ સિસ્ટમને વધુ બહેતર કરવા તેમાં વધુ સારું શું કરી શકાય તેના સુચનો કરશે અને ત્યાર બાદ જરૂર જણાશે ત્યાં ફેરફાર કરવામાં આવશે.  સેમેસ્ટર સિસ્ટમ નિષ્ફળ ગઈ છે, 
                                  ફેરફાર જરૂરી બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે તેમનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે, સાયન્સની સેમેસ્ટર સિસ્ટમ નિષ્ફળ ગઈ હોઈ તેમાં ફેરફાર માટે સભ્યોએ રજૂઆત કરી હતી. જેના પગલે સામાન્ય સભામાં સાયન્સના સેમેસ્ટર સિસ્ટમમાં પુન: સમીક્ષા કરવાનું નક્કી કરાયું છે. 
                                પુન: સમીક્ષાની જવાબદારી બોર્ડના સભ્યોને જ સોંપાઈ છે. જેથી તેઓ સમીક્ષા કરી પોતાના સુચનો બોર્ડને રજૂ કરશે અને તેના આધારે સાયન્સ સેમેસ્ટર સિસ્ટમમાં ફેરફાર કરાશે.
 .
સભ્યોના સૂચનોના આધારે સેમેસ્ટર સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા
સામાન્ય સભામાં સેમેસ્ટર સિસ્ટમ સામે સભ્યોના વિરોધના પગલે નિર્ણય લેવાયો: બોર્ડના સભ્યો જ સમીક્ષા કરી ફેરફારના સૂચનો આપશે

-- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-11 અને ધોરણ-૧૨ સાયન્સમાં અમલમાં મુકાયેલી સેમેસ્ટર સિસ્ટમને કેટલાક બોર્ડના જ સભ્યો નિષ્ફળ ગણાવી રહ્યા છે. આ સિસ્ટમમાં ફેરફાર માટે તેમણે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી. જોકે બોર્ડના મતે સેમેસ્ટર સિસ્ટમ બરોબર હોઈ તેને રદ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. તેમ છતાં સભ્યોની લાગણી સમજી સામાન્ય સભામાં સેમેસ્ટર સિસ્ટમની પુન: સમીક્ષા કરવાનું નક્કી કરાયું છે, જેમાં સભ્યો દ્વારા જ સમીક્ષા કરી પોતાના સૂચનો રજૂ કરવામાં આવશે જેના આધારે બોર્ડ દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે. જોકે આ સૂચનોના આધારે સેમેસ્ટર સિસ્ટમનો વધુ સારી રીતે અમલ કરાવવા ઉપયોગ કરશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર ખાતે સોમવારે શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. બપોરે 12 વાગ્યે શરૂ થયેલી સામાન્ય સભા બે કલાક ચાલી હતી જેમાં બોર્ડના સભ્યો દ્વારા ઊભા કરવામાં આવેલા પ્રશ્નો તથા પ્રસ્તાવો પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં બોર્ડના એક સભ્ય દ્વારા સાયન્સની સેમેસ્ટર સિસ્ટમને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. પ્રશ્ન ચર્ચામાં આવ્યા બાદ કેટલાક સભ્યોએ સાયન્સની સેમેસ્ટર સિસ્ટમને નિષ્ફળ ગણાવી હતી. જેના પગલે આ સિસ્ટમમાં ફેરફાર માટે પણ તેમણે માંગણી કરી હતી.

સભ્યોના જણાવ્યા પ્રમાણે સાયન્સની સેમેસ્ટર સિસ્ટમના લીધે વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી સતત પ્રેશરમાં રહે છે. ઉપરાંત સેમેસ્ટર સિસ્ટમના પગલે વાલીઓ પર ટ્યુશનનો ખોટો બોજો પડી રહ્યો છે. જેના લીધે આ સિસ્ટમ રદ કરવી જોઈએ. જોકે બોર્ડ દ્વારા આ સિસ્ટમ રદ કરવાની તરફેણ કરવામાં આવી ન હતી. પરંતુ બોર્ડના સભ્યોની લાગણીને સમજીને સેમેસ્ટર સિસ્ટમની પુન: સમીક્ષા કરવાનું નક્કી કર્યુ છે. આ માટે બોર્ડના સભ્યોને જ પુન: સમીક્ષા કરવાની જવાબદારી સોંપી છે. જેથી હવે બોર્ડના સભ્યો સેમેસ્ટર સિસ્ટમની પુન: સમીક્ષા કરી પોતાનો અહેવાલ સુપરત કરશે અને તેના આધારે બોર્ડ સેમેસ્ટર સિસ્ટમમાં ફેરફાર કરવાનું લાગશે તો ફેરફાર કરશે. જોકે આ સમીક્ષાના આધારે બોર્ડ સેમેસ્ટર સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ધર્માંતરણનો મુદ્દો સભામાં ચર્ચાયો

સામાન્ય સભામાં રજૂ થનારા પ્રસ્તાવ અગાઉ કારોબારી સમિતી સમક્ષ મુકાય છે અને તેઓ પ્રસ્તાવ ફગાવી દે તે પ્રસ્તાવ સામાન્ય સભામાં રજૂ થતા નથી તેવા પ્રશ્નની ચર્ચા વખતે વિવાદીત ધર્માંતરણને લગતો પ્રસ્તવા સભામાં ચર્ચામાં લેવામાં આવ્યો હતો. જેમાં ચર્ચાના અંતે ભવિષ્યમાં સુધારો કરી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવાનું નક્કી કરાયું છે.

બોર્ડની સામાન્ય સભામાં 2015-16ના વર્ષ માટે સુચિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટની ચર્ચા સભામાં સૌથી લાંબી ચાલી હતી અને કેટલાક સભ્યોએ બજેટના મુદ્દાઓને લઈને પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. જોકે અંતે આગામી વર્ષ માટેનું રૂ.112 કરોડનું સુચિત બજેટ મંજૂર કરાયું હતું. ઉપરાંત વર્ષ 2014-15 માટેના સુધારેલા રૂ. 120 કરોડના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી

Post a Comment

0 Comments