new

જૂની મિલકતના મૂડીનફાનું એક જ મકાનમાં કરેલું રોકાણ બાદ મળશે

આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરાયો

મૂડી નફાને એક કરતાં વધુ ઘરમાં રોકીને બાદ મેળવી લેનારાઓ હવે તે લાભથી વંચિત થઇ જશે


(પ્રતિનિધિ)    અમદાવાદ, ગુરૃવાર
આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરીને નાણાં મંત્રી અરુણ જેટલીએ જૂની પ્રોપર્ટીને વેચાણ પર કરવામાં આવેલા મૂડી નફાને ફરીથી નવી પ્રોપર્ટીની ખરીદી કે બાંધકામ માટે કરવામાં આવેલા ખર્ચ પેટે લાભ લેવાની વ્યવસ્થાને એક જ ઘર પૂરતી સીમિત કરી દેવાનું પગલું લીધું છે. પરિણામે જૂની મિલકતો પર જંગી મૂડી નફો કરનારાઓને મૂડીનફાનું એક કરતાં વધુ મિલકતમાં રોકાણ કરીને અત્યાર સુધી મળતો લાભ એપ્રિલ ૨૦૧૫ પછી મળતો બંધ થઇ જશે.
આવકવેરા ધારાની કલમ ૫૪માં અત્યાર સુધી જો કોઇ વ્યક્તિગત કે એચયુએફ કરદાતા પોતાના રહેવાનું મકાન વેચવાના એક વર્ષ પહેલા અથવા મકાનના વેચાણના બે વર્ષની અંદર નવું રહેવાનું મકાન ખરીદી લે અને રહેવાના મકાનના વેચાણના ત્રણ વર્ષની અંદર નવા રહેવાના મકાનનું બાંધકામ કરી દે તો તેણે વેચેલા મકાનના મૂડીનફાની રકમ નવા રહેવાના મકાનની કિંમત સુધી કરમુક્ત ગણાય છે.
અત્યાર સુધી કલમ ૫૪માં ખરીદ કરવામાં આવેલી કે બાંધવામાં આવેલા એક ઘર (a residential house) ને સુપ્રીમ કોર્ટે કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ વિરુદ્ધ અરવિન્દા રેડ્ડી (આઈટીઆર ૧૨૦ પેજ ૪૬)ના કેસમાં ચુકાદો આપ્યો હતો કે એક રહેઠાણ (a residential house) નો અર્થ એક કરતા વધુ ઘર થાય છે. તેથી એક કરતાં વધુ ઘરમાં રોકવામાં આવે તો સંપૂર્ણ મૂડીનફો બાદ મળી શકે છે.મુંબઇ હાઇકોર્ટે મોહમ્મદ અલી તાજભોય ૨૦-આઈટીઆરના પેજ નંબર ૨૭૪ના કેસમાં ઠેરવ્યું કે એ (a residential house) નો અર્થ એની (any) એટલે કે કોઇપણ થઇ શકે છે. સામાન્ય ક્લોઝિઝ એક્ટની કલમ ૧૩(૨)માં જણાવ્યા મુજબ પણ એક વચન બહુવચન સમાઇ જાય તેવો અર્થ કરવામાં આવ્યો છે.આ વિરોધાભાસને કારણે નાણાં મંત્રી અરુણ જેટલીએ પહેલી એપ્રિલ ૨૦૧૫થી આકારણી વર્ષ ૨૦૧૫-૧૬થી કલમ ૫૪માં સુધારો કરીને એક ઘર (a residential house) ની જગ્યાએ (one residential house in India) કરી દઇને સ્પષ્ટ કરી દીધું છે કે હવે પછીથી રહેવાના મકાનના વેચાણનો મૂડીનફો ફક્ત એક જ રહેવાના મકાનની સામે બાદ મળશે.આજ રીતે પ્રેમા પી. શાહ, સંજીવ પી. શાહ વિરુદ્ધ ઈન્કમટેક્સ ઓફિસર ૨૮૨-આઇટીઆર ૨૧૧માં મુંબઇ ટ્રિબ્યુનલના ચૂકાદાની આપવામાં આવેલી વિગત મુજબ કરદાતા નવું રહેવાનું મકાન ભારતની બહાર ખરીદે તો પણ તેને આવકવેરા ધારાની કલમ ૫૪ હેઠળ મૂડીનફાનું રોકાણ ગણીને માફીનો લાભ મળી શકે છે.

Post a Comment

0 Comments