new

મહેસાણાઃ બોર્ડના પરીક્ષાર્થીઓને તજજ્ઞો આપશે માર્ગદર્શન


પરીક્ષાર્થીઓ અભ્યાસ સંબંધી સમસ્યાઓનું તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે
 
આગામી ૧૩મી માર્ચથી શરૂ થઇ રહેલી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ગુરૂવારથી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. સાથોસાથ પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓના મનમાં ઉઠતા સવાલો, મૂંઝવણના ઉકેલ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે તે વિષય શિક્ષકોને તજજ્ઞ તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ પરીક્ષાર્થીઓના મનના સવાલોનું સમાધાન કરવા જરૂરી માર્ગદર્શન આપશે.
 
શહેર સહિ‌ત જિલ્લામાં ૧૩મી માર્ચથી એસ.એસ.સી અને એચ.એસ.સીની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે શિક્ષણ કચેરી દ્વારા સરકારી પ્રતિનિધિઓ, સ્થળ સંચાલકો સહિ‌તને આ બાબતની તાલીમ અને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. સાથોસાથ પરીક્ષા સંદર્ભની ફરીયાદોના ઉકેલ માટે ગુરૂવારથી જિલ્લા શિક્ષણ કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.
 
સવારે ૮થી સાંજે ૭ કલાક સુધી કાર્યરત રહેનાર આ કંટ્રોલ રૂમ ખાતે (૦૨૭૬૨)૨૨૧૧૭૧ નંબર પર ફોન કરી ફરીયાદ કરી શકાશે કે જરૂરી જાણકારી મેળવી શકાશે. જ્યારે પરીક્ષાર્થીઓના મનમાં ઉઠી રહેલા અભ્યાસ સંબંધી સવાલોના સમાધાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણ કચેરી દ્વારા ધો.૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિષય શિક્ષકોને તજજ્ઞો તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જેમના મોબાઇલ ફોન પર સંપર્ક કરી પરીક્ષાર્થીઓ પોતાના સવાલોનું સમાધાન મેળવી શકશે.

Post a Comment

0 Comments